સુરતથી બિલિમોરા વચ્ચેના 50 કિમીના બુલેટ ટ્રેનના પટ્ટાનું વિદ્યુતીકરણનું કામ પૂર્ણ - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી સુરતથી બિલિમોરા વચ્ચેના 50 કિમીના બુલેટ ટ્રેનના પટ્ટાનું વિદ્યુતીકરણનું કામ પૂર્ણ - ન્યૂઝ અપડેટ
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

સમાચાર એજન્સી એએનઆઇના એક અહેવાલ પ્રમાણે, 20 નવેમ્બરના રોજ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડૉરના સુરત-બિલિમોરા સેક્શન પરની ઓવરહેડ ઇક્વિપમેન્ટ સિસ્ટ (ઓએચઇ)ના વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થયું છે.

આ સાથે ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટે આગળની ટેસ્ટિંગ પ્રવૃત્તિઓ હાથ ધરવા તરફ એક ડગલું આગળ વધાર્યું છે. આ વિદ્યુતીકરણનું કામ જે સ્ટ્રેચ પર પૂર્ણ થયું છે તે સુરત અને બિલિમોરા સ્ટેશન વચ્ચે લગભગ 50 કિમીનો પટ્ટો છે.

આ કૉરિડૉર સમગ્ર વિશ્વમાં હાઇસ્પીડ રેલ નેટવર્કમાં વપરાતી વિદ્યુતીકરણની ટૅક્નૉલૉજી એવી 2*25 kV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ કરશે. 508 કિમીના કૉરિડૉરમાં આવેલાં 15 ટ્રેક્શન સબસ્ટેશન (ટીએસએસ) નૅશનલ ગ્રીડમાંથી વીજળી લઈને ટ્રેન માટેની ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમને પૂરી પાડશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઇ પ્રમાણે 20 નવેમ્બરે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશની પ્રથમ હાઇસ્પીડ રેલ સર્વિસ 2027ના અંતિમ ત્રિમાસિક ગાળા સુધી શરૂ થઈ જશે અને સૌપ્રથમ સુરતથી વાપીનું સેક્શન ખુલ્લુ મુકાશે.

ઉત્તર પ્રદેશ : મતદારયાદીમાંથી 1.27 કરોડ નામ હટાવવાના દાવાની આયોગ કરશે તપાસ, CM યોગી પાસે માગ્યા પુરાવા

ઉત્તર પ્રદેશ : મતદાર યાદીમાંથી 1.27 કરોડ નામ હટાવવાના દાવાની આયોગ કરશે તપાસ, CM યોગી પાસે માગ્યા પુરાવા - ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે, રાજ્યની મતદારયાદીમાંથી 1.27 કરોડ મતદારોનાં નામ હટાવી દેવામાં આવ્યાં છે. (પ્રતીકાત્મક તસવીર)

ઉત્તર પ્રદેશની મતદારયાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અંગે રચાયેલા સ્વતંત્ર આયોગે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પાસે પુરાવા માગ્યા છે. યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે, રાજ્યની મતદારયાદીમાંથી 1.27 કરોડ મતદારોનાં નામ હટાવી દેવામાં આવ્યાં છે.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ મદન બી. લોકુરની અધ્યક્ષતામાં આ આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગમાં સુપ્રીમ કોર્ટ અને વડી અદાલતોના (હાઇકોર્ટ) અનેક ભૂતપૂર્વ ન્યાયાધીશો સામેલ છે.

આયોગે જણાવ્યું હતું કે, "અમે આખરી નિષ્કર્ષ પર પહોંચવા માટે મળેલા તમામ પુરાવાઓની સંપૂર્ણ સ્વતંત્રતા અને નિષ્પક્ષતાથી તપાસ કરીશું."

મુખ્ય મંત્રીને પાઠવેલા પત્રમાં આયોગે કહ્યું હતું કે, "આપને વિનંતી છે કે એવા દસ્તાવેજો, ચોક્કસ આંકડા કે અન્ય માહિતી ઉપલબ્ધ કરાવો, જેના આધારે જાણી શકાય કે SIR પ્રક્રિયામાં શું ખામીઓ હતી. શું તેના કારણે જ આટલી મોટી સંખ્યામાં મતદારોનાં નામ દૂર થયાં છે?"

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આયોગના જણાવ્યા અનુસાર, આગામી ચૂંટણીઓ અને લાખો મતદારોના મતાધિકાર સાથે જોડાયેલા આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. આથી આયોગ નિયત સમયમર્યાદામાં કામ કરી રહ્યું છે. તેને આશા છે કે મુખ્ય મંત્રી શક્ય તેટલી વહેલી તકે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવશે.

આ આયોગના અન્ય સભ્યોમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ એ. કે. પટનાયક, જમ્મુ-કાશ્મીર હાઇકૉર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ બદર દુર્રેઝ અહમદ, દિલ્હી હાઇકૉર્ટનાં ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ રેખા શર્મા અને પટણા હાઇકોર્ટનાં ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ અંજના પ્રકાશનો સમાવેશ થાય છે.

આ આયોગની રચના નાગરિક સમાજની પહેલ હેઠળ 'લૉયર્સ ઍસોસિએશન ફૉર કન્સ્ટિટ્યૂશન' (LAFC) દ્વારા કરવામાં આવી છે.

આ આયોગનો મુખ્ય હેતુ ચૂંટણી આયોગની SIR પ્રક્રિયા, તેના અમલીકરણ અને તેના પ્રભાવ અંગે લોકોમાં રહેલી ચિંતાઓની તપાસ કરવાનો છે. આયોગ ખાસ એ ચકાસવા માગે છે કે નવી મતદારયાદીની વિશ્વસનીયતા જળવાઈ છે કે નહીં અને પાત્ર મતદારોનાં નામ ખોટી રીતે તો હટાવાયાં નથી ને.

તપાસ માટે આયોગ જાહેર સુનાવણી, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, આંકડાકીય સંશોધન અને ચકાસી શકાય તેવા સ્વતંત્ર પુરાવાઓનો સહારો લેશે.

રાજસ્થાન : પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના દિગ્ગજ નેતાઓના પ્રભુત્વવાળા મતવિસ્તારોમાં કૉંગ્રેસનો વિજય

રાજસ્થાન: પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના દિગ્ગજ નેતાઓના પ્રભુત્વવાળા મતવિસ્તારોમાં કોંગ્રેસનો વિજય

રાજસ્થાનમાં યોજાયેલી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીનાં પરિણામો શુક્રવારે જાહેર થયાં છે.

41 જિલ્લા પરિષદોમાંથી 37નાં પરિણામોમાં કૉંગ્રેસે ભાજપને હરાવ્યું છે.

ચાર જિલ્લા પરિષદોની ચૂંટણીની મતગણતરી 17 ડિસેમ્બરે થશે.

ચૂંટણી પરિણામો બાદ કૉંગ્રેસ આને 2028માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં જનતાની પસંદ ગણાવી રહી છે.

બીજી તરફ, ભાજપે પોતાની હાર સ્વીકારીને હારનાં કારણો પર મંથન કરવાની વાત કહી છે.

ખાસ વાત એ છે કે, ભાજપના દિગ્ગજ નેતાઓના વિસ્તારોમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.

રાજ્યમાં ત્રણ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં આ પરિણામોએ પાર્ટીને મંથન કરવા મજબૂર કરી દીધી છે.

રાજ્યના મુખ્ય મંત્રી ભજનલાલ શર્માના જિલ્લા ભરતપુરમાં કૉંગ્રેસે જીત નોંધાવી છે.

ત્યારે , મુખ્ય મંત્રીના વિધાનસભા ક્ષેત્ર સાંગાનેરમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી) એ જીત મેળવીને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ કરી છે.

ભાજપના કૅબિનેટ મંત્રી ઝાબરસિંહ ખર્રાનાં પત્ની અને પુત્રો સહિત પરિવારના ચાર સભ્યોને હારનો સામનો કરવો પડ્યો છે.

આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ ખીંવસરના વિધાનસભા ક્ષેત્રની લોહાવટ પંચાયત સમિતિમાં ભાજપનો એક પણ ઉમેદવાર જીત્યો નથી.

કૅબિનેટ મંત્રી ડૉ. કિરોડીલાલ મીણાના વિધાનસભા ક્ષેત્ર સવાઈ માધોપુરમાં 23 વૉર્ડમાંથી ભાજપ માત્ર છ વૉર્ડ પર જ જીત મેળવી શક્યું છે.

મંત્રી બાબુલાલ ખરાડીના વિસ્તારમાં 15માંથી ભાજપ પાંચ વૉર્ડ જીતી શકી છે. કૅબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડના વિધાનસભા ક્ષેત્રમાં 15માંથી ભાજપને માત્ર એક જ વૉર્ડમાં જીત મળી છે.

પરિણામો પર રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર આભાર માનતા કહ્યું છે કે પંચાયત ચૂંટણીમાં તમે કૉંગ્રેસ પર જે વિશ્વાસ મૂક્યો છે, તે હવે અમારી જવાબદારી છે.

તેમણે ભાજપને ઘેરતાં કહ્યું, "આ જવાબ ભાજપની પોતાની સરકાર ધરાવતા રાજ્યમાંથી આવ્યો છે, સીધો ડબલ ઍન્જિનને."

તેમણે કહ્યું કે આ માત્ર રાજસ્થાનનો જનાદેશ નથી, પરંતુ દેશનાં દરેક ગામનો અવાજ છે.

કુલ 7,543 બેઠકોમાંથી 7,520 બેઠકોનાં પરિણામો જાહેર થયાં છે. તેમાં કૉંગ્રેસ 3,758 બેઠકો પર જીત મેળવીને સૌથી મોટા પક્ષ તરીકે આગળ છે. જ્યારે ભાજપ 2,213 બેઠકો સાથે બીજા સ્થાને છે. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારો (IND) 662, RLP 497 અને BAP 278 બેઠકો પર વિજેતા બન્યા છે.

જિલ્લા પરિષદમાં કુલ 1,275 બેઠકોમાંથી 1,271 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. તેમાં પણ કૉંગ્રેસ 794 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને મોખરે છે, જ્યારે ભાજપ 357 બેઠકો સાથે બીજા ક્રમે છે.

અમેરિકામાં ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષની જેલ

અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલે અમેરિકામાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષની જેલ

અમેરિકાની એક ફેડરલ કોર્ટે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને અમેરિકામાં શીખ નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ 235 મહિના, એટલે કે 19 વર્ષથી વધુની જેલની સજા ફટકારી છે.

નિખિલ ગુપ્તાએ ફેબ્રુઆરીમાં 'કોન્ટ્રાક્ટ કિલિંગ' (સોપારી આપીને હત્યા કરાવવી), હત્યાનું કાવતરું અને મની લૉન્ડરિંગના કાવતરાના આરોપો સ્વીકાર્યા હતા. શુક્રવારે ફેડરલ કોર્ટના ન્યાયાધીશે જણાવ્યું હતું કે, તેમની સજા પૂર્ણ થયા બાદ તેમને અમેરિકામાંથી દેશનિકાલ કરી (ભારત) પાછા મોકલી શકાય છે.

'યુએસ ઍટર્ની ફૉર ધ સાઉધર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યૂયોર્ક' દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "સાઉધર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યૂયોર્કના યુએસ ઍટર્ની જેમી મૅકડોનાલ્ડે જણાવ્યું હતું કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને તેના કાયદા અમલીકરણ ભાગીદારો અમેરિકાની ધરતી પર અથવા અમેરિકન નાગરિકો સામે હિંસા આચરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે અને તેમને જવાબદાર ઠેરવશે."

અમેરિકન ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારના એક અધિકારીએ ગુપ્તાને ખાલિસ્તાન ચળવળના અગ્રણી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યા કરવાનો નિર્દેશ આપ્યો હતો. પન્નુ શીખો માટે અલગ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે. જોકે, ભારતે આ કેસમાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ભારત સરકારે પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે, જે આરોપને પન્નુ નકારે છે.

અમેરિકન નાગરિકત્વ ધરાવતા પન્નુ અમેરિકા સ્થિત શીખ અલગાવવાદી સંગઠન 'શીખ્સ ફૉર જસ્ટિસ' (SFJ) ના પ્રવક્તા છે, જેના પર વર્ષ 2019 થી ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પન્નુએ અગાઉ 'બીબીસી'ને જણાવ્યું હતું કે, "નિખિલ ગુપ્તા દ્વારા ગુનાની કબૂલાત એ બાબતની ન્યાયિક પુષ્ટિ કરે છે કે ભારતની મોદી સરકારે અમેરિકન ભૂમિ પર સોપારી આપીને હત્યા કરાવવા માટે એક સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું."

ભારતે હંમેશ ખાલિસ્તાન ચળવળનો વિરોધ કર્યો છે અને દેશના મુખ્ય રાજકીય પક્ષો પણ આ માંગની વિરુદ્ધ છે. ભારતમાં શીખ એક ધાર્મિક લઘુમતી સમુદાય છે, જે દેશની કુલ વસ્તીના લગભગ બે ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આમ છતાં, કેટલાક જૂથો લાંબા સમયથી શીખો માટે અલગ દેશની માંગ કરી રહ્યા છે.

ન્યુઝીલૅન્ડ સામે સદી ફટકારીને કેએલ રાહુલે બનાવ્યો આ નવો રેકોર્ડ

ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારીને કેએલ રાહુલે બનાવ્યો આ નવો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ મૅચની પ્રથમ ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 290થી વધુ રન બનાવી મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારત તરફથી ઓપનર કેએલ રાહુલે શાનદાર સદી પૂર્ણ કરી છે, જ્યારે દેવદત્ત પડિક્કલ 80 રનની આકર્ષક ઇનિંગ રમીને આઉટ થયા હતા.

બીસીસીઆઈ (BCCI) ના જણાવ્યા અનુસાર, કેએલ રાહુલ 'સેના' (SENA) દેશો—એટલે કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા—ચારેય દેશોમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય ઓપનર બની ગયા છે.

આ અગાઉ ગઈકાલે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ 85 રન બનાવીને આઉટ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલૅન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં 368 રન બનાવ્યા હતા, જેમાં હેનરી નિકોલ્સે સૌથી વધુ 175 રન અને ગ્લેન ફિલિપ્સે 118 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પોલૅન્ડમાં રશિયન મિસાઇલ પડી, યુક્રેનના સાથી દેશોનો સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો હતો: ટસ્ક

પોલેન્ડમાં રશિયન મિસાઇલ પડી, યુક્રેનના સાથી દેશોનો સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો હતો

પોલૅન્ડે જણાવ્યું હતું કે શુક્રવારે તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલી ત્રણ વસ્તુઓમાં રશિયન ક્રુઝ મિસાઇલનો પણ સમાવેશ થતો હતો.

પોલૅન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે પશ્ચિમી દેશોની સેનાઓ આ વિસ્તારમાં લશ્કરી અભ્યાસ કરી રહી હતી. તેમણે કહ્યું કે આ કોઈ સામાન્ય દુર્ઘટના નથી લાગતી.

આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી અને કોઈ નુકસાન પણ થયું નથી.

જોકે, પોલૅન્ડે તેને રશિયા દ્વારા કરાયેલી "ઉશ્કેરણીજનક કામગીરી" ગણાવી છે. યુક્રેન પર રશિયાના મોટા હવાઈ હુમલાઓ પૈકીના એક દરમિયાન બનેલી આ ઘટના અંગે રશિયાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

સ્થાનિક રહેવાસી નતાલી શ્પોનરે જણાવ્યું કે તે પોતાના બાળકોને શાળા માટે તૈયાર કરી રહી હતી ત્યારે તેણે સીટી જેવો અવાજ સાંભળ્યો અને ત્યારબાદ કોઈ વસ્તુ ટકરાવાનો ધીમો અવાજ સંભળાયો હતો. એક ખેતરમાં લાગેલા કેમેરામાં મિસાઇલ પડવાનો વીડિયો કેદ થયો છે. અધિકારીઓએ પાછળથી જણાવ્યું કે સ્થાનિક રહેવાસીઓ માટે હવે કોઈ ખતરો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન