BBC TOP NEWS : રફાલ ડીલમાં નવો ખુલાસો, મોદી સરકાર સામે ફરીથી સવાલ ઉઠ્યા

ઇમેજ સ્રોત, GETTY IMAGES/REUTERS
ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી રફાલ ડીલને મામલે ફ્રાન્સની એક વેબસાઇટે નવો ખુલાસો કર્યો છે. સમાચારોનું ઇન્વેસ્ટિગેશન કરતી ન્યૂઝ વેબસાઇટ 'મીડિયાપાર્ટ'એ કેટલીક વિગતો સાર્વજનિક કરી દીધી છે.
વેબસાઇટે દસો એવિએશનના કથિત આંતરિક દસ્તાવેજોને ટાંકીને લખ્યું છે કે ફ્રાંસની કંપની દસો પાસે રિલાયન્સ ડિફેન્સ સાથે સમજૂતી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો અને તેમના માટે આ એક જરૂરી ડીલ હતી.
59 હજાર કરોડ રૂપિયાની આ ડીલમાં રિલાયન્સ ડિફેન્સને મુખ્ય ઑફસેટ પાર્ટનર બનાવવામાં આવ્યું છે.

ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, EPA
આ પૂર્વે 'મીડિયાપાર્ટ'ને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે જણાવ્યું હતું કે ભારત સરકારે જ રિલાયન્સને પાર્ટનર બનાવવા માટે ફ્રાંસની સરકારને કહ્યું હતું.
ત્યારે તેમને સવાલ પૂછાયો હતો કે દસો એવિએશન પાસે કોઈ અન્ય કંપનીનો વિકલ્પ નહોતો?
તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર સરકારનો પક્ષ મૂકી રહ્યા છે. વિકલ્પ વિશે દસો એવિએશન વિગતે જાણકારી આપી શકે છે.
આ નિવેદનને પગલે ભારતમાં ઘણો વિવાદ થયો હતો. અને દસો કંપની તથા ફ્રાંસની સરકારે પણ સ્પષ્ટતા જાહેર કરવી પડી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રાહુલ ગાંધી એચએએલના અધિકારીઓને મળશે
બીજી તરફ રાહુલ ગાંધી 'હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ'ના અધિકારીઓ સાથે મુલાકાત કરવાના છે.
તેઓ 13મી ઑક્ટોબરે તેમની સાથે મુલાકાત કરશે એવી શક્યતા છે.
એટલું જ નહીં પણ સુપ્રીમ કોર્ટે મોદી સરકાર પાસે રફાલ ડીલની નિર્ણય સંબંધિત પ્રક્રિયાની વિગતો માંગી છે.
29 ઑક્ટોબર સુધીમાં એક સીલબંધ કવરમાં આ વિગતો સુપરત કરવા માટે સરકારને કહેવામાં આવ્યું છે.
વળી 31મી ઑક્ટોબરે સુપ્રીમમાં આ મામલે સુનાવણી પણ છે.

ગુજરાતમાં ડોમિસાઇલમાટેનો રેસિડેન્ટ પિરિયડ ઘટાડાશે

ઇમેજ સ્રોત, JULIE RUPALI
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત સરકાર રાજ્યમાં શ્રમ કાનૂન હેઠળ ડૉમિસાઇલનો દરજ્જો મેળવવા માટેનો રેસિડેન્ટ પિરિયડ ઘટાડવા તૈયારી કરી રહી છે.
અહેવાલ અનુસાર હાલના કાયદા પ્રમાણે સ્થાનિકની વ્યાખ્યા મામલે સરકાર નવો ઠરાવ લાવશે.
હાલ પરપ્રાંતિયો માટે સ્થાનિક (ડૉમિસાઇલ)નો દરજ્જો મેળવવા માટે પંદર વર્ષનો રેસિડેન્ટ પિરિયડ ફરજિયાત છે.
પરંતુ સરકાર તેને ઘટાડીને બે વર્ષ કરવા માંગે છે.
અગાઉ છેલ્લે વર્ષ 1995માં કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પરંતુ સરકાર એક વાર ફરીથી તેમાં ફેરફાર કરવા જઈ રહી છે.
અહેવાલ અનુસાર શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાને ટાંકીને તેમાં જણાવાયું છે કે દરેક કાયદો ડૉમિસાઇલ વ્યાખ્યાયિત કરશે. અમે હવે બે વર્ષ કરવા જઈ રહ્યા છે.
રાજ્ય સરકારે ગુજરાતમાં પરપ્રાંતિયો મામલે વિવાદ ચાલી રહ્યો છે તે પૂર્વે દરખાસ્ત તૈયાર કરી હતી.આ દરમિયાન સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગુજરાતમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને પગલે પરપ્રાંતિયો વિરુદ્ધ ભડકેલી હિંસા મામલે રાજ્યના માનવઅધિકાર પંચે મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને નોટિસ પાઠવી છે.
પંચે આ બન્ને અધિકારીઓ પાસે ઘટના સંદર્ભે અહેવાલ માંગ્યો છે. આગામી 20 દિવસમાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે.

ઓડિશામાં ચક્રવાત તિતલીની અસર

ઇમેજ સ્રોત, Reuters
'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર ચક્રવાત તિતલી પૂર્વ ભારત રાજ્ય ઓડિશામાં પ્રવેશી ચૂક્યું છે.
જેને કારણે 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે.
ઓડિશા જતી સંખ્યાબંધ ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વળી ભારે પવનોના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. એનડીઆરએફની 18 ટીમો પણ ખડકી દેવાઈ છે.
ઓડિશા અને આંધ્રપ્રદેશમાં 'રેડ ઍલર્ટ' પણ જારી કરાયું છે.

તુષાર મહેતા ભારતના નવા સોલિસિટર જનરલ બન્યા
'ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર તુષાર મહેતાની ભારતના સોલિસિટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
હાલ તેઓ ઍડિશનલ સોલિસિટર જનરલ તરીકેનો હવાલો સંભાળી રહ્યા છે.
ગચ વર્ષે ઑક્ટોબરમાં એડવોકેટ રણજીતકુમારે રાજીનામું આપતાં છેલ્લા નવ મહિનાથી પદ ખાલી પડ્યું હતું.
આમ નવ મહિના બાદ સરકારે આ પદ પર મહેતાની નિમણૂક કરી છે.
તુષાર મહેતા ગુજરાતના છે અને વર્ષ 2014ના મધ્યથી ઍડિશનલ સોલિસિટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
સેક્શન 66એને પડકારવા સહિતના મહત્ત્વપૂર્ણ કેસમાં તેમણે કેન્દ્ર તરફથી રજૂઆત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો




























