કચ્છમાં ઍરફોર્સનું પ્લેન તૂટ્યું, પાઇલટનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Bhupendrasinh jadeja
ભારતીય હવાઇ દળનું (IAF) જૅગુઆર પ્લેન કચ્છમાં તૂટી પડ્યું હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ આ પ્લેન જામનગરના ઍર બેઝ પરથી ઊડાણ ભર્યાના થોડા જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થયું.
કચ્છના જિલ્લાના મુંદ્રા તાલુકાના બેરાજા ગામ પાસે થયેલી આ દુર્ઘટનામાં પાઇલટનું મોત થયું છે.
પીટીઆઈના અહેવાલ મુજબ આ ફાઇટર પ્લેન દરોરોજની જેમ ટ્રેનિંગ મિશન માટે જામનગરથી ટેક ઑફ થયું હતું અને સવારે 10:30ની આસપાસ દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું.

દુર્ઘટનામાં પાઇલટનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Bhupendrasinh jadeja
આ દુર્ઘટનામાં પ્લેનના પાઇલટ ઍર કમાન્ડર સંજય ચૌહાણનું મૃત્યુ થયું છે.
લેફ્ટનન્ટ કર્નલ મનિષ ઓઝાએ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જૅગુઆર ઍરક્રાફ્ટ તેના રૂટિન ટ્રેનિંગ મિશન માટે જામગર ઍર બેઝ પરથી ઊડ્યું હતું.
તેમણે કહ્યું, "કચ્છમાં સવારે 10:30 વાગ્યે પ્લેન તૂટી પડ્યું હતું. આ અકસ્માત પાછળ શું કારણ છે તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો ભંગાર બેરાજા ગામની સીમમાં વેરાઈ ગયો હતો.

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટર પર લખ્યું, "એર કમાન્ડર સંજય ચૌહાણના અકસ્માતે નિધન અંગે જાણીને દુઃખ થયું.
"દિવંગતના આત્માને શાંતિ મળે તથા પરિવારજનોને સાંત્વના મળે તે માટે પ્રાર્થના."
શું કહે છે ગામના લોકો?

ઇમેજ સ્રોત, Bhupendrasinh jadeja
બેરાજા ગામના પૂર્વ સરપંચ હલિમભાઈએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે આ દુર્ઘટનામાં કેટલીક ગાયોનાં મોત થયાં છે. ઉપરાંત એક વ્યક્તિને ઈજા થઈ છે.
તેમના જણાવ્યા પ્રમાણે હાલ પોલીસ અને ઍરફોર્સના અધિકારીઓ અહીં પહોંચી ગયા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
બેરાજા ગામની ગ્રામપંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું,"સવારે ગામની સીમમાં બનેલી આ દુર્ઘટનામાં ઘણી ગાયોનાં મોત થયાં છે. અત્યારે ચોક્કસ આંકડો કહી શકાય એમ નથી."
તેમણે કહ્યું, "ગાયોના ગોવાળ રઝાકભાઈને આ દુર્ઘટનામાં ઈજા થઈ છે અને હાલ તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો




























