ગુજરાત સમાચાર અને ગ્રૂપ ની કંપનીઓ પર ઇન્કમટૅક્સ વિભાગના દરોડા- ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગુજરાત સમાચાર, ઇન્કમટૅક્સ વિભાગ,
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

બુધવારે ગુજરાતના જાણીતા સમાચાર ગ્રૂપ ગુજરાત સમાચાર અને તેની ભગિની સંસ્થાઓ પર અમદાવાદ ખાતે ઇન્કમટૅક્સ વિભાગે દરોડા પાડ્યા છે.

ગુજરાત સમાચાર અને જીએસટીવી સહિત આ ગ્રૂપની અન્ય કંપનીઓ પર સવારથી જ ઇન્કમટૅક્સ વિભાગની આ કાર્યવાહી ચાલી રહી છે.

ગુજરાત સમાચાર સાથે સંકળાયેલા પત્રકારોએ આ સમાચારની પુષ્ટિ કરી હતી.

મળી રહેલી માહિતી પ્રમાણે ઇન્કમટૅક્સ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા વખતે સંસ્થામાં કામ કરતા લોકો અને મૅનેજરિયલ પોસ્ટ પર કામ કરતા લોકો પાસેથી મોબાઇલ લઈ લેવાયા હતા. આ સિવાય કૉમ્યુનિકેશનના કોઈ પણ સાધનો વાપરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

હજુ સુધી આ તમામ સંસ્થાઓમાં ઇન્કમટૅક્સની કાર્યવાહી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સમાચારનું ટ્વિટર ઍકાઉન્ટ પણ બ્લૉક કરી દેવામાં આવ્યું છે.

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું, 'દેશ પણ મારો અને સેના પણ મારી'

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ગાઝા ઇઝરાયલ ડીજીએમઓ કાશ્મીર અમેરિકા ઇમરાન ખાન
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન જેલમાં બંધ છે

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને ભારત અને પાકિસ્તાનના હાલના સંઘર્ષ પર ટિપ્પણી કરતા કહ્યું છે કે 'દેશ પણ મારો અને સેના પણ મારી.'

ઇમરાન ખાને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "ભારત સાથે તાજેતરના તણાવે ફરી એક વખત સાબિત કરી દીધું કે પાકિસ્તાન એક બહાદુર દેશ છે."

તેમણે કહ્યું કે, "જે રીતે આપણા સૈનિકોએ સરહદે મોદીને હરાવ્યા, તે રીતે પાકિસ્તાનના લોકોએ ખાસ કરીને સોશિયલ મીડિયાએ દુનિયાભરમાં મોદી અને આરએસએસના નૅરેટિવને હરાવ્યું."

ઇમરાન ખાને નિવેદનમાં કહ્યું કે, "મોદીએ પાકિસ્તાનમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને ઇમારતોને નિશાન બનાવીને કાયરતાનો પરિચય આપ્યો છે, જેનો આપણી સેનાએ પૂરી તાકાત અને સચોટતા સાથે જવાબ આપ્યો."

બીબીસી ઉર્દૂ મુજબ ઇમરાન ખાને કહ્યું કે, "મોદી પાકિસ્તાનને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા તમામ પ્રયાસ કરશે. કોઈ નવા હુમલાની સ્થિતિમાં દેશે તેયાર અને એકજૂથ રહેવું જોઈએ."

સંઘર્ષવિરામ પછી ભારત-પાકિસ્તાને એકબીજા સામે કયાં પગલાં લીધાં?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ગાઝા ઇઝરાયલ ડીજીએમઓ કાશ્મીર અમેરિકા
ઇમેજ કૅપ્શન, પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે

પાકિસ્તાને મંગળવારે ભારત વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરીને ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયુક્તના એક કર્મચારીને 'પર્સોના નૉન ગ્રાટા' એટલે કે અનિચ્છનિય વ્યક્તિ જાહેર કર્યા છે.

આ અગાઉ ભારતે પણ મંગળવારે નવી દિલ્હીસ્થિત પાકિસ્તાન ઉચ્ચાયુક્તના એક કર્મચારીને અનિચ્છનીય વ્યક્તિ જાહેર કર્યા હતા.

ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જારી કરાયેલા નિવેદન મુજબ અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવા માટે કહેવામાં આવ્યું હતું.

તેના જવાબમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, "પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના એક કર્મચારીને પર્સોના નૉન ગ્રાટા જાહેર કર્યા છે. તેમને 24 કલાકમાં પાકિસ્તાન છોડવાનો નિર્દેશ અપાયો છે."

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે એટલો તણાવ વધ્યો કે સૈન્યસંઘર્ષ થયો હતો.

બંને દેશો વચ્ચે 7 મેથી સંઘર્ષની શરૂઆત થઈ અને 10 મેની સાંજે સંઘર્ષવિરામ થયો હતો.

ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે કયા મુદ્દે વાતચીત થઈ?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ગાઝા ઇઝરાયલ ડીજીએમઓ કાશ્મીર અમેરિકા
ઇમેજ કૅપ્શન, ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ રોકવાની સહમતિ સધાયા પછી સોમવારે સાંજે પાંચ વાગ્યે બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે વાતચીત થઈ હતી.

ભારતીય સેનાનાં સૂત્રોએ જણાવ્યું કે બંને તરફથી એક પણ ગોળી ન બચાવવા કે કોઈ પણ આક્રમકતા શરૂ ન કરવા સહિતના મુદ્દે વાતચીત થઈ હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે બંને પક્ષ સરહદી વિસ્તારો અને અગ્રિમ મોરચા પર સૈનિકોની સંખ્યા ઘટાડવાને સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેશે તેવી સહમતિ થઈ છે.

અગાઉ સોમવારે ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે પાકિસ્તાની ઍરફોર્સ ભારતના બહુસ્તરીય ડિફેન્સને પાર કરીને ભારતીય ઍરફિલ્ડ કે લોજિસ્ટિક ઈન્સ્ટોલેશન્સને ટાર્ગેટ કરી શકે એવી કોઈ શક્યતા ન હતી.

દરમિયાન ભારતીય સેનાએ સોમવારે સાંજે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના સાંબા ક્ષેત્રમાં કેટલાંક શંકાસ્પદ ડ્રૉન જોવાં મળ્યાં હતાં.

ગાઝાની હૉસ્પિટલ પર ઇઝરાયલી હુમલામાં 28 લોકોનાં મોત

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ગાઝા ઇઝરાયલ ડીજીએમઓ કાશ્મીર અમેરિકા
ઇમેજ કૅપ્શન, ગાઝાની એક હૉસ્પિટલ પર ઇઝરાયલે હવાઈ હુમલો કર્યો છે

ખાન યુનુસની એક યુરોપિયન હૉસ્પિટલ પર ઇઝરાયલના હુમલામાં 28 લોકો માર્યા ગયા અને કેટલાય ડઝનને ઈજા થઈ છે.

હમાસ તરફથી સંચાલિત નાગરિક સુરક્ષા એજન્સીના એક પ્રવક્તાએ આ માહિતી આપી છે.

સ્થાનિક સૂત્રો પ્રમાણે ગાઝાની આ હોસ્પિટલ પર ઇઝરાયલી ફાઈટર વિમાનોએ એક સાથે 6 બૉમ્બ ફેંક્યા હતા. આ બૉમ્બ હૉસ્પિટલના પ્રાંગણ અને આસપાસના વિસ્તારમાં પડ્યા હતા.

ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેના "કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરે હમાસના આતંકવાદીઓ પર સચોટ હુમલો" કર્યો છે. ઇઝરાયલનો દાવો છે કે આ સેન્ટર હૉસ્પિટલની નીચે હતું.

ગાઝામાં બીબીસી માટે કામ કરતા એક ફ્રીલાન્સ પત્રકાર પણ હવાઈ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાય છે.

હમાસ અને ઇઝરાયલ વચ્ચે 7 ઑક્ટોબર 2023થી સંઘર્ષની શરૂઆત થઈ જેમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન