મહાત્મા ગાંધીના ઑઇલ પેઇન્ટિંગની હરાજી, જાણો કેટલા કરોડમાં વેચાયું ચિત્ર – ન્યૂઝ અપડેટ

આ ચિત્ર 1931માં બ્રિટનના કલાકાર ક્લેયર લીટને બનાવ્યું હતું.
ઇમેજ કૅપ્શન, આ ચિત્ર 1931માં બ્રિટનના કલાકાર ક્લેયર લીટને બનાવ્યું હતું.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

વિકાસ પાંડે, બીબીસી ન્યૂઝ

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી મહાત્મા ગાંધીના એક દુર્લભ ઑઇલ પેઇન્ટિંગની લંડનમાં લગભગ એક કરોડ 72 લાખ રૂપિયા (2,04,648 ડૉલર)માં હરાજી થઈ.

આ રકમ હરાજી કરનાર સંસ્થા બૉનહમ્સના અનુમાનથી ઘણી વધારે છે. પહેલાં અનુમાન લગાવાયું હતું કે આ ચિત્ર 50 હજાર પાઉન્ડથી 70 હજાર પાઉન્ડ વચ્ચે લિલામ થશે.

ભારતીય રૂપિયામાં આ કિંમત 80 લાખ રૂપિયાથી થોડી વધારે હતી. આ ચિત્ર 1931માં બ્રિટનના કલાકાર ક્લેયર લીટને એવા સમયે બનાવ્યું હતું જ્યારે મહાત્મા ગાંધી લંડન ગયા હતા.

બૉનહમ્સ અનુસાર, માનવામાં આવે છે કે આ એકમાત્ર ઑઇલ પેઇન્ટિંગ છે જેના માટે ગાંધીએ પોતે પોઝ આપ્યો હતો.

ગાંધીએ ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ અહિંસાત્મક આંદોલનને નેતૃત્વ કર્યું હતું અને તેમના સિદ્ધાંતોથી સમગ્ર દુનિયામાં લાખો લોકોને પ્રેરણા મળી હતી.

આ ચિત્ર 1931માં ગાંધીની લંડન યાત્રા દરમ્યાન બનાવાયું હતું, જ્યારે તેઓ ભારત માટે બંધારણીય સુધારાઓ અને સ્વશાસનની માગ પર ચર્ચા માટે આયોજિત બીજી રાઉન્ટ ટેબલ કૉન્ફરન્સ માટે ગયા હતા.

આ પેઇંન્ટિંગ 1989માં અમેરિકામાં લીટનના મૃત્યુ સુધી તેમના કલેક્શનમાં રહ્યું અને પછી તેમના પરિવાર પાસે જતું રહ્યું.

બૉનહમ્સે એ નથી જણાવ્યું કે આ પેઇન્ટિંગ કોણે ખરીદ્યું છે. એ પણ સ્પષ્ટ નથી કે આને સાર્વજનિક પ્રદર્શન માટે ક્યારે રાખવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ પર શું બોલ્યા સીએમ ઓમર અબ્દુલ્લાહ?

ઓમર અબ્દુલ્લાહ
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જમ્મુ-કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સંસદના મૉનસૂન સત્રમાં બિલ લાગવવાની માંગ પર જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહએ પ્રતિક્રિયા આપી છે.

તેમણે આ મુદ્દો ઉઠાવવા માટે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાધીનો આભાર વ્યક્ત કર્યો છે.

પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "અમે આ દિવસની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વિપક્ષ તરફથી સંસદમાં અમારો અવાજ બુલંદ થશે. હું ખડગે અને રાહુલ ગાંધીના આભારી છે."

તેમણે કહ્યું કે," અમે આવી કોઈ પણ માંગ નથી કરી રહ્યા જેનો વાયદો અમને ન કરવામાં આવ્યો હોત. વારંવાર અમને કહેવામાં આવ્યું કે સમય આવશે ત્યારે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. "

તેમણે કહ્યું કે, "હવે જલ્દીમાં જલ્દી જમ્મુ-કાશ્મરીને રિયાસતનો દરજ્જો મળો જોઈએ."

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યોનો દરજ્જો આપવા માટે સંસદના મૉનસૂન સત્રમાં બિલ લાવવાની માગી કરી છે.

ખડગે અને રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને આ મામલે પત્ર લખ્યો છે.

ઇઝરાયલનો સીરિયાના સૈન્ય મુખ્યાલય પર હુમલો

સીરિયા પર ઇઝરાયલનો હુમલો

ઇઝરાયલે કહ્યું છે કે તેની સેનાએ સીરિયાની રાજધાની ડમસ્કસ ખાતે સીરિયન સેનાના મુખ્યાલય પર હુમલો કર્યો છે.

સીરિયન આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઇઝરાયલના રક્ષા મંત્રી ઇઝરાયલ કાંત્ઝે કહ્યું કે, "ચેતવણીનો સમય હવે પૂરો થઈ ગયો છે, હવે કડક અને દર્દનાક હુમલા કરવામાં આવશે."

ઇઝરાયલ અનુસાર તે દક્ષિણ-પશ્ચિમ સીરિયામાં ડ્રૂઝ સમુદાયના લોકોની સુરક્ષા કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે,"અમે પોતાના ડ્રૂઝ ભાઈઓને બચાવવા અને સીરિયન શાસનનું જૂથ ખતમ કરવાનું કામ કરી રહ્યા છીએ."

સાથે જ તેમણે ડ્રૂઝ સમુદાયના ઇઝરાયલી સભ્યોને પણ સરહદ પાર સીરિયા નહીં જવાની અપીલ કરી છે.

સીરિયન સરકારે આ હુમલાની ટીકા કરી છે અને તેને "ગુનાહિત અને અવૈધ વ્યવહાર" ગણાવ્યો છે.

જનરલ ચૌહાણે કહ્યું કે ગઈ કાલનાં હથિયારોથી આજના યુદ્ધમાં જીત ન મળી શકે

ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણ
ઇમેજ કૅપ્શન, ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણ

ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું છે કે "આજના જટિલ યુદ્ધમાં ગઈ કાલનાં હથિયારોથી વિજય શક્ય નથી."

તેમણે કહ્યું કે "ભારતે યુદ્ધના ક્ષેત્રમાં સરસાઈ મેળવવી હોય તો આપણે ભવિષ્યની ટેકનોલૉજીથી સજ્જ થવું પડશે."

જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે "આજનું યુદ્ધ ગઈ કાલની ટેકનોલૉજીની મદદથી લડી ન શકાય. આપણે ભવિષ્યની સુરક્ષા માટે આપણી ટેકનોલૉજિકલ ક્ષમતાને સ્વદેશી બનાવવી પડશે."

દિલ્હીમાં યુએવી અને કાઉન્ટર યુએએસ પર આયોજિત પ્રદર્શનમાં સીડીએસ ચૌહાણે જણાવ્યું કે "ભારત હવે મહત્ત્વની ડિફેન્સ ટેકનોલૉજી માટે વિદેશી સ્રોત પર નિર્ભર ન રહી શકે."

તેમણે કહ્યું કે "આપણા મિશન માટે જે ટેકનોલૉજી મહત્ત્વની છે, તેના પર વિદેશ પર નિર્ભર રહેવાથી આપણી તૈયારી નબળી પડી શકે છે."

'ઑપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરતા જનરલ ચૌહાણે જણાવ્યું કે "પાકિસ્તાને અનઆર્મ્ડ અને આર્મ્ડ બંને પ્રકારના ડ્રોનનો ઉપયોગ કર્યો જેમાંથી મોટાં ભાગનાં તોડી પાડવામાં આવ્યાં. તેમણે કહ્યું કે આપણે ભવિષ્યની લડાઈમાં ડ્રોનના ઉપયોગ પર ફોકસ કરવું જોઈએ."

તેમણે જૂનાં યુદ્ધોની પણ વાત કરી અને જણાવ્યું કે સમયની સાથે સાથે હથિયારો અને ડિફેન્સ સિસ્ટમ વધુ હળવી, અસરકારક અને સસ્તી બની છે.

ઈરાનનો પ્રવાસ ટાળવા ભારતે ઍડવાઇઝરી જાહેર કરી

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ભારત અમેરિકા રશિયા ઈરાન ઇઝરાયલ ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન
ઇમેજ કૅપ્શન, ઑપરેશન સિંધુ હેઠળ સેંકડો ભારતીયોને ઈરાનથી સહીસલામત પરત લાવવામાં આવ્યા છે

ભારત સરકારે ઈરાન જઈ રહેલા લોકો માટે ઍડવાઇઝરી જાહેર કરી છે અને બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપી છે.

ઈરાનમાં ભારતીય દૂતાવાસે ઍડવાઇઝરી જાહેર કરતા કહ્યું કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં સુરક્ષાને લગતી ઘટનાઓ જોતા ભારતીય નાગરિકોને બિનજરૂરી પ્રવાસ કરતા પહેલાં ત્યાંની બદલાયેલી સ્થિતિનો વિચાર કરવો જોઈએ.

દૂતાવાસે લોકોને અપીલ કરી છે કે પ્રાદેશિક ઘટનાઓ પર નજર રાખવામાં આવે અને ઍડવાઇઝરીનું પાલન કરવામાં આવે.

ઍડવાઇઝરીમાં દૂતાવાસે ઈરાનમાં હાજર ભારતીયોને સલાહ આપી છે કે તેઓ ભારત પરત જવા માગતા હોય તો ઉપલબ્ધ હવાઈ અથવા જળમાર્ગનો ઉપયોગ કરે.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 13 જૂને સંઘર્ષ શરૂ થયા પછી ભારતે ઑપરેશન સિંધુ શરૂ કર્યું હતું. તેના હેઠળ ભારતે ઈરાનમાં વસતા પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા.

ઇઝરાયલે 13 જૂને ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલાં સ્થળો પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ પર મિસાઇલો ફેંકી હતી.

યુદ્ધવિરામ અંગે ટ્રમ્પની ચેતવણી પર રશિયાએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ભારત અમેરિકા રશિયા ઈરાન ઇઝરાયલ ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન
ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે '50 દિવસમાં યુદ્ધવિરામ નહીં થાય તો રશિયા પર ભારે ટેરિફ લાદવાની' ટિપ્પણી કરી, તેના પર રશિયાના વિદેશમંત્રીએ પ્રતિક્રિયા આપી છે.

રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી તાસ મુજબ વિદેશમંત્રી સર્ગેઈ લાવરોફે કહ્યું હતું કે રશિયા એ જાણવા માગશે કે 50 દિવસ સમય આપીને ટ્રમ્પ શું કહેવા માગે છે.

તેમણે કહ્યું કે "50 દિવસના નિવેદન પાછળ શું અર્થ છે? અગાઉ પણ 24 કલાક અને 100 કલાકની ડેડલાઇન અપાઈ હતી. અમે આ બધું જોયું છે અને હકીકતમાં અમેરિકન રાષ્ટ્રપતિનો ઈરાદો સમજવા માગીએ છીએ."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ચેતવણી આપી કે "50 દિવસમાં યુદ્ધવિરામ નહીં થાય તો રશિયા પર ભારે ટેરિફ લગાવવામાં આવશે."

લાવરોફે દાવો કર્યો કે ટ્રમ્પ પર યુરોપિયન યુનિયન અને નાટોનું દબાણ છે. યુરોપિયન યુનિયન અને નાટો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની માગોનું સમર્થન કરે છે અને સતત હથિયાર આપે છે. તેના કારણે પશ્ચિમી દેશોના ટૅક્સપેયર પર બોજ વધી ગયો છે અને તેમણે ભોગવવું પડે છે.

લાવરોએ કહ્યું કે રશિયા પહેલેથી 'અભૂતપૂર્વ પ્રતિબંધો'નો સામનો કરે છે. તેમણે કોઈ પણ નવા પ્રતિબંધોને પહોંચી વળવાનો દાવો કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન