ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "ભારત અને રશિયાને અમે ચીનના હાથે ખોઈ દીધાં" - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, રશિયા અને ચીનના ત્રિપુટી પર ટિપ્પણી કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ પર લખ્યું છે કે, "એવું લાગે છે કે અમે ભારત અને રશિયાને ચીન સામે ગુમાવી દીધા છે. આશા છે કે તેમની ભાગીદારી લાંબી અને સમૃદ્ધ રહેશે."
જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને ટ્રમ્પની ટિપ્પણી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, "મારે આ અંગે કંઈ કહેવાનું નથી."
આ અઠવાડિયે સોમવારે જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તિયાનજિનમાં શાંઘાઈ કૉ-ઓપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
આ એક સંકેત છે કે ચીન અને ભારતના સંબંધોમાં જામેલો બરફ હવે પીગળી રહ્યો છે, અને તેનું મુખ્ય કારણ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ છે જેણે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા પર પ્રતિકૂળ અસર કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક વેપાર અંગેની 'અમેરિકા ફર્સ્ટ' નીતિએ વિશ્વના આર્થિક અને રાજકીય ધ્રુવીકરણને હચમચાવી નાખ્યું છે.
ચીન, રશિયા અને ભારતની ઊભરતી ત્રિપુટી એ એક મજબૂત ઉદાહરણ છે કે બદલાયેલી પરિસ્થિતિઓમાં હરીફ ગણાતા દેશો કેવી રીતે એક સાથે આવી શકે છે.
રશિયાએ યુક્રેન માટે પશ્ચિમી સુરક્ષા ગૅરંટીને ખારિજ કરી

ઇમેજ સ્રોત, Getty Images
રશિયન સરકારી મીડિયા પ્રમાણે, રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે યુક્રેનમાં સુરક્ષાની ગૅરંટી આપવા માટે વિદેશી સૈનિકોની તહેનાતીની કોઈ સ્થિતિ સ્વીકાર નહીં કરાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંએ કહ્યું હતું કે પશ્ચિમના 26 દેશોએ ઔપચારિકપણે એવો વાયદો કર્યો છે કે યુદ્ધવિરામ થયાના અગાઉના દિવસે તેઓ જમીન, સમુદ્ર કે હવા કોઈ પણ રસ્તેથી સૈનિક મોકલી શકે છે.
'કૉલિશન ઑફ વિલિંગ' નામક 35 દેશોના શિખર સંમેલન બાદ મેક્રોંએ કહ્યું કે આગામી દિવસોમાં અમેરિકન સમર્થનને અંતિમ સ્વરૂપ આપી દેવાશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ સંકેત આપ્યો હતો કે અમેરિકાનું સમર્થન 'કદાચ હવાઈ મદદ' સ્વરૂપે આવી શકે છે.
તેમજ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે 'યુક્રેનના આકાશની મહત્તમ સુરક્ષા' પર વાત કરી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકામાં શું બદલાવ લાવશે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારના રોજ એક આદેશ પર હસ્તાક્ષર કરશે.
તેઓ ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સનું નામ બદલીને ડિપાર્ટમેન્ટ ઑફ વૉર કરવા માગે છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, તેમણે કહ્યું કે, "આ પગલાથી લોકોને અમેરિકન સેનાની તાકત અને મજબૂતી વિશે ખબર પડશે."
જોકે, મંત્રાલયનું નામ સત્તાવાર રીતે બદલવા માટે, યુએસ સંસદ (કૉંગ્રેસ) તરફથી કાયદો પસાર કરવો જરૂરી છે.
સમાચાર એજન્સી રૉઇટર્સ અનુસાર, 1949 સુધી યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને 'વૉર ડિપાર્ટમેન્ટ' કહેવામાં આવતું હતું.
બીજા વિશ્વયુદ્ધ પછી, કૉંગ્રેસે સેના, નૌકાદળ અને વાયુસેનાને એકસાથે લાવીને એક નવું માળખું બનાવ્યું.
ઇતિહાસકારોના મતે, તે સમયે તેનું નામ બદલવા પાછળનું એક મોટું કારણ એ હતું કે પરમાણુ યુગમાં, અમેરિકા વિશ્વને સંદેશ આપવા માંગતો હતો કે તેનો ઉદ્દેશ યુદ્ધ કરવાનો નથી, પરંતુ યુદ્ધ અટકાવવાનો છે.
પીએમ મોદીની મણિપુર મુલાકાત પહેલા મહત્ત્વની સમજૂતી

ઇમેજ સ્રોત, Getty Images
કુકી-ઝો કાઉન્સિલ (કેઝેડસી) એ ગુરુવારે નૅશનલ હાઇવે-2 ને મુસાફરો અને આવશ્યક ચીજવસ્તુઓની મુક્ત અવરજવર માટે ખોલવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં ગૃહમંત્રાલયના અધિકારીઓ અને કેઝેડસી પ્રતિનિધિમંડળ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેઝેડસીએ નૅશનલ હાઇવે-2 પર શાંતિ જાળવવા માટે ભારત સરકાર દ્વારા તહેનાત સુરક્ષા દળોને સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાતે જવાના છે.
ગુરુવારે, ગૃહ મંત્રાલયે મણિપુર સરકાર, કુકી નૅશનલ ઑર્ગેનાઇઝેશન (કેએનઓ) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (યુપીએફ)ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં, ત્રણેય પક્ષોએ સસ્પેન્શન ઑફ ઑપરેશન્સ ઍગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કર્યા, જે પુનઃ વાટાઘાટો માટેનાં નિયમો અને શરતો નક્કી કરે છે, જે કરાર પર હસ્તાક્ષર કર્યાની તારીખથી એક વર્ષના સમયગાળા માટે અમલમાં રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























