‘યાગી વાવાઝોડા’ને કારણે વિયેતનામમાં 127 લોકોનાં મૃત્યુ, 54 લાપતા- ન્યૂઝ અપડેટ

 ‘યાગી વાવાઝોડા’ને કારણે વિયેતનામમાં 127 લોકોનાં મૃત્યુ, 54 લાપતા
ઇમેજ કૅપ્શન, યાગી વાવાઝોડાએ વિયેતનામમાં વિનાશ વેર્યો
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

વિયેતનામમાં યાગી વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. તોફાન, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વિયેતનામમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછાં 127 લોકોનાં મૃત્યુ થયાં છે. વાવાઝોડાને કારણે ફૂંકાયેલા ભયંકર પવનને કારણે સમુદ્રમાં નૌકાઓ પાણીમાં વહી ગઈ હતી. વિયેતનામમાં ચારે તરફ સડકો પર બસ પાણી જ પાણી છે. પાણી ભરાયાં હોવાને કારણે લોકોએ તેમનાં ઘરોની છત પર આશરો લેવો પડ્યો છે. ઝડપી પવનને કારણે સમુદ્રનું પાણી પણ કિનારા પર આવી ગયું હતું. ભારે પવનને કારણે અનેક વૃક્ષો ઉખડી ગયાં છે.

વિયેતનામમાં આવેલું આ વાવાઝોડું છેલ્લાં 30 વર્ષમાં આવેલું સૌથી ભયાનક વાવાઝોડું માનવામાં આવે છે.

આમ તો આ યાગી વાવાઝોડું શનિવારે વિયેતનામમાં ત્રાટક્યું હતું પરંતુ સોમવારે પણ અહીં ભયંકર વરસાદ ચાલુ હતો.

ઉત્તર પ્રાંતમાં લોકો ઘરની છત પર રહેવા મજબૂર છે કારણકે તેમનાં ઘરોની આસપાસ પાણી ભરાયેલાં છે.

આ લોકો સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ કરી રહ્યા છે.

આ વાવાઝોડાને કારણે વિયેતનામમાં 15 લાખ લોકો વીજળી વગર અસરગ્રસ્ત થયા છે.

ઇમરાન ખાને સેના સાથેની વાતચીતના તમામ દરવાજાઓ બંધ કર્યા

ઇમરાન ખાને સેના સાથેની વાતચીતના તમામ દરવાજાઓ બંધ કર્યા
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે કહ્યું કે સેના સાથેની વાતચીતના દરવાજા તેમણે ક્યારેય બંધ નહોતા કર્યા પરંતુ આજે તેઓ વાતચીતના તમામ દરવાજાઓ બંધ કરી રહ્યા છે.

ઇમરાન ખાને કહ્યું કે મેં મારી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફને નિર્દેશ આપ્યો છે કે તે સેના સાથે વાતચીત નહીં કરે કારણકે તેણે અમને દગો આપ્યો છે.

કોર્ટમાં ઉપસ્થિત પત્રકાર રિઝવાન કાઝી અનુસાર, “ઇમરાન ખાને કહ્યું કે સેનાએ અમને અનુરોધ કર્યો હતો કે 22 ઑગસ્ટના રોજ થનારી રેલીને દેશ માટે સ્થગિત કરવામાં આવે, પરંતુ અમારા લોકો તેમાં આવવા માટે નિકળી ચૂક્યા હતા.”

“અમારી બેઠકને લઈને 8 સપ્ટેમ્બરની તારીખ પણ સેનાએ આપી હતી તથા તેને લઈને એનઓસી બહાર પાડવામાં આવ્યું. જેના પર સેનાએ અમને દગો આપ્યો.”

ઇમરાન ખાને હવે કહ્યું છે કે 21 સપ્ટેમ્બરના રોજ લાહોરમાં રેલી થશે.

મણિપુરમાં ઇન્ટરનેટ 15 સપ્ટેમ્બર સુધી બંધ, શું છે કારણ

મણિપુરમાં ઇન્ટરનેટ બંધ
ઇમેજ કૅપ્શન, મણિપુરમાં વિદ્યાર્થીઓનું વિરોધપ્રદર્શન

મણિપુર સરકારે મંગળવારે આદેશ આપ્યો કે રાજ્યમાં પાંચ દિવસો સુધી ઇન્ટરનેટ સેવા પર રોક રહેશે.

આ પ્રતિબંધ લગાવ્યાની સાથે મૈતેઈ બહુમતિ વિસ્તાર ઇંફાલ ઇસ્ટ, ઇંફાલ વેસ્ટ અને થૌબલ જિલ્લામાં મંગળવાર સવારથી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી ફેલાયેલી હિંસા બાદ રાજધાની ઇંફાલ અને તેની આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. મંગળવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયાના સમાયાર છે.

1 સપ્ટેમ્બરના રોજ ઇંફાલ ઘાટીના કેટલાક રહેણાક વિસ્તારોમાં અત્યાધુનિક ડ્રૉન અને રૉકેટ હુમલા બાદ અહીં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયું હતું. મણિપુરમાં ડ્રૉન અને રૉકેટ હુમલા સહિત હિંસાની ઘટનામાં ઓછામાં ઓછાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે કે 12 લોકો ઘાયલ થયા છે.

કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, પાંચ મુસાફરોનાં મૃત્યુ

ટીમ મુસાફરોને બચાવવા માટે કાટમાળને હટાવી રહી છે
ઇમેજ કૅપ્શન, કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન થયું છે જેમાં પાંચ મુસાફરોનાં મૃત્યુ થયાં છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેદારનાથ ધામ યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે સોનપ્રયાગ પાસે થયેલા ભૂસ્ખલનમાં પાંચ લોકોનું મૃત્યુ થયું છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ઈજા થઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

જિલ્લાધિકારી શ્યામસિંહ રાણાએ જણાવ્યું, “સોમવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે સૂચના મળી કે કેટલાક મુસાફરો કાટમાળ હેઠળ દબાઈ ગયા છે.”

“આ મુસાફરો ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થઈને ગૌરીકુંડથી સોનપ્રયાગ તરફ આવી રહ્યા હતા.”

સૂચના મળ્યા બાદ પોલીસ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, એનડીઆરએફ અને ડીડીઆરએફ તરફથી સંયુક્ત રૅસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવ્યું.

શ્યામસિંહ રાણાએ કહ્યું, “રૅસ્ક્યુ દરમિયાન મોડી રાતે ત્રણ લોકોને ઘાયલ અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા જ્યારે એક વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી જેમને ડૉક્ટરે મૃત જાહેર કર્યાં.”

“રાતના સમયે ખરાબ વાતાવરણ અને પહાડ પરથી સતત પડી રહેલા પથ્થરોને કારણે રૅસ્ક્યુ ટીમને બચાવ કાર્ય કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને રૅસ્ક્યુ રોકવું પડે છે.”

“જનપદ પોલીસે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાંજે સાડા છ વાગ્યે અવરજવર એકદમ બંધ કરી દીધી હતી. જે મુસાફરો આ સમય પહેલા ગૌરીકુંડથી સોનપ્રયાગ તરફ નીકળી ગયા હતા તેમની સાથે આ દુર્ઘટના થઈ છે.”

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદનસિંહ રજવારે જણાવ્યું, “ટીમે મંગળવારે સવારે ફરીથી રૅસ્ક્યુ કામ શરૂ કર્યું. ઘટનાસ્થળ પર ત્રણ વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવી જેમને ડૉક્ટરે મૃત જાહેર કરી હતી.”

તેમણે ઉમેર્યું, “આજ સવારથી સતત ચાલી રહેલા રૅસ્ક્યુ અભિયાન દરમિયાન થોડાક સમય પછી ટીમને બીજા એક બેભાન મહિલા મળી આવ્યાં, જેમને પણ ડૉક્ટરે મૃત જાહેર કર્યાંં. આ રીતે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે.”

“ચાલવાનો રસ્તો અવરજવર માટે શરૂ કરી દીધો છે. સુરક્ષા દળોની દેખરેખ હેઠળ મુસાફરોને સોનપ્રયાગ તરફ મોકલવામાં આવી રહ્યા છે.”

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ સોમવારે રાત્રે આ વિશે જાણકારી આપી.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "સોનપ્રયાગ-મુનકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે કાટમાળ નીચે કેટલાક મુસાફરો દબાયા છે તેવા દુખદ સમાચાર મળ્યા છે."

"સ્થાનિક વહીવટીતંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. હું પણ સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છું અને રૅસ્ક્યુ ઑપરેશનનું મૉનિટરિંગ કરી રહ્યો છું."

ઇઝરાયલના હુમલામાં ગાઝામાં 40 લોકોનાં મોત : હમાસ સંચાલિત સિવિલ ડિફેન્સ ઑથોરિટી

ગાઝાના ખાન યૂનિસમાં આવેલા અલ-મવાસી વિસ્તારમાં ઇઝરાયલના હવાઈ હુમલા
ઇમેજ કૅપ્શન, ગાઝાના ખાન યૂનિસમાં આવેલા અલ-મવાસી વિસ્તારમાં ઇઝરાયલના હવાઈ હુમલા

હમાસ દ્વારા સંચાલિત સિવિલ ડિફેન્સ ઑથોરિટીએ જણાવ્યું કે ઇઝરાયલના હુમલામાં દક્ષિણ ગાઝામાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયાં છે અને એક ડઝનથી વધારે લોકોને ઈજા પહોંચી છે.

ઇઝરાયલની સેનાએ કહ્યું કે, "અમારાં વિમાનોએ ખાન યૂનિસમાં હમાસના લડવૈયાઓના સંચાલન કેન્દ્ર પર હુમલો કર્યો. આ ઉપરાંત અમે સામાન્ય નાગરિકોને થનારા નુકસાનનું જોખમ શક્ય તેટલું ઓછું થાય તે માટે પગલાઓ લીધા હતા."

સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે, "ખાન યૂનિસ શહેરના પશ્ચિમે અલ-મવાસી વિસ્તારમાં વિસ્થાપિત લોકો માટે બનેલા તંબુને નિશાનો બનાવીને ત્રણ હુમલાઓ થયા હતા."

હમાસની સિવિલ ડિફેન્સ ઑથોરિટીએ બીબીસીને જણાવ્યું, "40 લોકોનાં મોત થયાં છે અને 60થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ હેઠળ દબાયેલા છે."

નજરે જોનારા લોકોએ બીબીસીને જણાવ્યું કે મધ્યરાત્રીના થોડા સમય પછી અલ-મવાસી વિસ્તારમાં મોટા ધડાકાઓ થયો અને આગની જ્વાળાઓ આકાશ તરફ ઊઠતી જોવા મળી.

જે સ્થળ પર હુમલો કરવામાં આવ્યો છે તેની નજીક એક ચૅરિટીના સ્વયંસેવક ખાલિદ મહમૂદે કહ્યું કે હું અને બીજા એક સ્વયંસેવક મદદ માટે દોડ્યા, પરંતુ હુમલો એટલો ભયનાક હતો કે અમે સ્તબ્ધ થઈ ગયા.

મહમૂદે કહ્યું, "હુમલાને કારણે સાત મીટર ઊંડા ખાડા પડી ગયા છે અને 20થી વધારે તંબુ દબાઈ ગયા છે."

આઈડીએફના પ્રવક્તાએ ટેલિગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું, "અમે આતંકવાદી સંગઠન હમાસના પ્રમુખ આતંકવાદીઓ પર હુમલો કર્યો છે. આ આતંકવાદીઓ ખાન યૂનિસમાં રહેણાક વિસ્તારોમાં છુપાઈને કમાંડ અને નિયંત્રણ કૉમ્પલેક્સમાં કામ કરે છે."

પ્રવક્તાએ કહ્યું, "નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે હુમલા પહેલાં કેટલાક ઉપાયો કરવામાં આવ્યા જેમ કે ચોક્કસ હથિયારોનો ઉપયોગ, હવાઈ હુમલાઓ અને ગુપ્ત માહિતીનો ઉપયોગ."

"આ વધારે એક ઉદાહરણ છે કે આતંકવાદી સંગઠન કેવી રીતે ગાઝા પટ્ટીના નાગરિકો અને સરકારી ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ ઇઝરાયલ અને આઈડીએફના લોકો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધીઓ માટે કરે છે."

જોકે, હમાસે ઇઝરાયલની સેનાના દાવાને નકાર્યો હતો. હમાસે કહ્યું કે તે વિસ્તારમાં હમાસ લડવૈયા હોવાની વાત તદ્દન ખોટી છે.

"હમાસે આ વાતનો ઘણી વખત ઇનકાર કર્યો છે. અમારા કોઈ પણ સભ્ય નાગરિક રહેઠાણોમાં રહેતા નથી કે તેનો ઉપયોગ સૈન્ય ઉદ્દેશ માટે કરતા નથી."

કૅન્સરની દવા પર ટૅક્સમાં રાહત, જીએસટી કાઉન્સિલની બેઠકમાં બીજા કયા નિર્ણયો લેવાયા?

જીએસટી કાઉન્સિલની 54મી બેઠકમાં કૅન્સરની દવાઓ પર ટૅક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો છે
ઇમેજ કૅપ્શન, જીએસટી કાઉન્સિલની 54મી બેઠકમાં કૅન્સરની દવાઓ પર ટૅક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો છે

જીએસટી કાઉન્સિલની 54મી બેઠકમાં કૅન્સરની દવાઓ પર ટૅક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની યુનિવર્સિટીને આપવામાં આવતા રિસર્ચ ફંડ પરથી ટૅક્સ દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

જોકે, જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર ટૅક્સને લઇને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ માટે એક મંત્રીનું ગ્રૂપ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર હાલમાં 18 ટકા જીએસટી છે.

કાઉન્સિલના ચૅરપર્સન અને કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેઠક પછી મીડિયા સાથેની વાતચીત કરી હતી. તેમણે કહ્યું, "કાઉન્સિલે રાજ્ય અને કેન્દ્રની બધી જ યુનિવર્સિટી અને રિસર્ચ સેન્ટર અથવા જે સંસ્થાને ઇનકમ ટૅક્સમાં છૂટ મળે છે તેવી સંસ્થાઓ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાંથી રિસર્ચ ફંડ મેળવી શકે છે."

નાણામંત્રીએ કહ્યું, "આ સંસ્થાએ જીએસટી ચૂકવવાની જરૂર નથી તેમને જીએસટીમાં છૂટ આપવામાં આવી છે."

બીજા મુખ્ય નિર્ણયો

  • પ્રેસ ઇન્ફોર્મેનશન બ્યૂરોએ આપેલી માહિતી પ્રમાણે, જીએસટી કાઉન્સિલે જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર જીએસટી સંબંધિત મુદાઓ પર વિચાર કરવા માટે મંત્રીનો એક સમૂહ (જીઓએમ) ગઠિત કરવામાં આવે તેવી ભલામણ કરી હતી.
  • જીઓએમમાં બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, આંધપ્રદેશ, મેઘાલય, ગોવા, તેલંગાણા, તામિલાનાડુ, પંજાર અને ગુજરાત સભ્યો તરીકે સામેલ છે. જીએમઓ ઑક્ટોબર 2024ના અંત સુધીમાં રિપોર્ટ સોંપશે.
  • જીએસટી કાઉન્સિલે વળતર સેસ પર ભવિષ્યમાં અભ્યાસ કરવા માટે એક જીએમઓના ગઠનની ભલામણ કરી છે.
  • જીએસટી કાઉન્સિલે કૅન્સરની દવાઓ જેવી કે ટ્રૅસ્યુઝુમૅબ ડેરક્સટેકન, ઓસિમર્ટિનિબ અને ડયૂરવાલુમૅબ પર જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણ કરી છે.
  • જીએસટી કાઉન્સિલે બી2સી ઈ-ચલણ માટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાની ભલામણ કરી છે. આ નિર્ણય બી2બી સેક્ટરમાં ઈ-ચલણની સફળતા પછી લેવામાં આવ્યો છે.
  • નમકીન પર જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને 12 કરવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.