લઘુમતીઓ સાથે વ્યવહાર અંગેના અમેરિકાના રિપોર્ટ અંગે ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી – ન્યૂઝ અપડેટ્સ

ઇમેજ સ્રોત, @MEAIndia
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચે વર્ષ 2025નો વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે ટિપ્પણી કરવામાં આવી છે.
ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે મીડિયાના સવાલો અંગે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું :
"અમે અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચનો તાજેતરમાં જારી કરાયેલો વર્ષ 2025નો વાર્ષિક રિપોર્ટ જોયો છે. જે વધુ એક વખત પૂર્વાગ્રહથી ભરેલો છે અને રાજકીય ઉદ્દેશોથી પ્રેરિત હોય તેમ લાગે છે."
"યુએસસીઆઈઆરએફ વારંવાર અમુક ઘટનાઓને વધારીને અને ચઢાવીને રજૂ કરે છે અને ભારતના બહુસાંસ્કૃતિક સમાજને ખોટી રીતે દેખાડવાનો પ્રયાસ કરે છે. તે ધાર્મિક સ્વતંત્રતાની ચિંતા કરતાં સમજી વિચારેલી રણનીતિનો ભાગ હોય એમ લાગે છે."
વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ભારતમાં એક અબજ 40 કરોડ લોકો રહે છે. અહીં દુનિયાના લગભગ તમામ ધર્મના લોકો હળીમળીને રહે છે. પરંતુ અમને આશા નથી કે યુએસસીઆઈઆરએફ ભારતના વૈવિધ્યપૂર્ણ અને સહિષ્ણુ સમાજને યોગ્ય રીતે સમજશે અથવા તો તેનું સત્ય સ્વીકારશે."
નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, "ભારતમાં મજબૂત લોકશાહી પ્રવર્તમાન છે અને સહિષ્ણુતાનું પ્રતીક છે. જેને નબળા પાડવાના પ્રયાસ નિષ્ફળ રહેશે. વાસ્તવમાં યુએસસીઆરએફને શંકાના પરિઘમાં રાખવું જોઈએ."
મંગળવારે અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચે વર્ષ 2025નો વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં લઘુમતીઓ સાથે ખરાબ વર્તણૂંક થાય છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, "ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ વર્ષ 2024 દરમિયાન સતત કથળતી રહી, વિશેષ કરીને દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં અને પછીના મહિનાઓ દરમિયાન."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ અરસામાં કેટલાંક રાજ્યો દ્વારા એવા કાયદા લાગૂ કરવામાં આવ્યા, જેને લઘુમતી સમાજ પ્રત્યે ભેદભાવપૂર્ણ ઠેરવવામાં આવ્યા. સાથે જ નફરતપૂર્ણ નિવેદનો અને નિર્ણયોએ પણ માહોલને પ્રભાવિત કર્યો."
આ રિપોર્ટમાં સત્તારૂઢ ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ ટિપ્પણી કરવામાં આવી છે. રિપોર્ટમાં લખ્યા પ્રમાણે :
"જૂન મહિનામાં લોકસભાની ચૂંટણીઓ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના સભ્યોએ, મુસલમાનો તથા અન્ય ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ નફરતભર્યા નિવેદન આપીને તથા ભ્રામક માહિતી ફેલાવીને રાજકીય સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો."

ગુજરાત પોલીસને હરિયાણામાં અકસ્માત નડ્યો, ત્રણ પોલીસ કર્મચારીનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંજાબમાં એક કેસની તપાસ માટે ગયેલી ગુજરાત પોલીસની ટીમને અકસ્માત નડ્યો છે. હરિયાણામાં ગુજરાત પોલીસની કાર અકસ્માતગ્રસ્ત થઈ હતી જેમાં ત્રણ પોલીસ કર્મચારીના મોત થયા છે. આ ઉપરાંત પંજાબ પોલીસના એક એએસઆઈને ઈજા થઈ છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે હરિયાણાના સિરસા જિલ્લામાં દાબવાલી-ચૌટાલા રોડ પર એક પાર્ક કરેલા વાહન સાથે પોલીસની બોલેરો કાર ટકરાઈ હતી.
અહેવાલ મુજબ આસિસ્ટન્ટ પ્રૉસિક્યુશન ઓફિસર સુનીલ કુમાર, સબ ઇન્સ્પેક્ટર જયેન્દર સિંહ અને હૅડ કૉન્સ્ટેબલ પ્રકાશ ભાટનું મૃત્યુ થયું છે. દાબવાલી સદર સ્ટેશનના હાઉસ ઑફિસર બ્રહ્મ પ્રકાશે જણાવ્યું હતું કે આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યે બની હતી. ગુજરાત પોલીસની ટીમ અને પંજાબના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જે પી સોલંકી મહિન્દ્રા બોલેરોમાં જતા હતા ત્યારે બીજા એક વાહન સાથે તેમની કાર ટકરાઈ હતી.
ગુજરાત પોલીસના ત્રણ કર્મચારી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે પંજાબના ઈજાગ્રસ્ત એએસઆઈને નજીકમાં બઠિંડાની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સોલંકી જલંઘરમાં રામા મંડી પોલીસ સ્ટેશનમાં ફરજ બચાવતા હતા. ગુજરાત પોલીસની ટીમ તેની સાથે પરત આવતી હતી ત્યારે અકસ્માત થયો હતો.
સાઉથ કોરિયાના જંગલમાં ભીષણ આગથી 18ના મોત, હૅલિકોપ્ટર પણ ક્રેશ થયું

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયામાં દક્ષિણ-પૂર્વના જંગલોમાં આગ સતત વધતી જાય છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે અને 19ને ઈજા થઈ છે.
દક્ષિણ કોરિયાના આંતરિક અને સુરક્ષા મંત્રાલયે આ માહિતી આપી છે.
દરમિયાન અધિકારીઓએ કહ્યું છે કે આગ ઓલવવામાં લાગેલું એક હેલિકોપ્ટર પણ ક્રેશ થયું છે. આવું શા માટે થયું તેની તપાસ કરવામાં આવી રહી છે.
દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ હાન ડક સૂએ કહ્યું કે આ પડકાર હજુ પણ ગંભીર છે. તેમણે કહ્યું, "આપણા દેશના ઈતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી ભીષણ આગ છે."
આગ લાગ્યા પછી 23 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઐતિહાસિક સ્થળો પણ આગનો ભોગ બન્યા છે.
તેમાં 1300 વર્ષ જૂનું એક બૌદ્ધ મંદિર પણ સામેલ છે જે આગના કારણે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે.
બિહારમાં આરા રેલવેસ્ટેશન પર ફાયરિંગ, ત્રણ લોકોનાં મોત

ઇમેજ સ્રોત, ANI
બિહારના આરા રેલવેસ્ટેશને મંગળવારે રાતે ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે રેલવે પ્રોટેક્શન ફોર્સના સિનિયર કમાન્ડન્ટ પ્રકાશ પાંડાએ જણાવ્યું કે પ્લૅટફૉર્મ નંબર બે પર આ ઘટના બની હતી. ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રેમસંબંધના વિવાદમાં આ હત્યાકાંડ થયો હોવાની આશંકા છે.
તેમણે જણાવ્યું કે, "ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોપી અમનકુમાર 24 વર્ષનો છે અને તે ભોજપુરનો વતની છે."
"આરોપી અમનકુમારે જિયાકુમારી અને તેમના પિતા અનિલ સિંહાની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યાર પછી પોતાને પણ ગોળી મારી દીધી હતી."
તેમણે જણાવ્યું કે, "અમે આ કેસની તપાસ કરીએ છીએ."
આરપીએફના સિનિયર કમાન્ડન્ટ પ્રકાશ પાંડાએ કહ્યું, "અમે અહીં સીસીટીવી કૅમેરા લગાવીશું. જોકે, રેલવેસ્ટેશને લગભગ 40 સીસીટીવી કૅમેરા હાજર છે. અમે ફૂટઓવર બ્રિજ ઉપર પણ સીસીટીવી કૅમેરા લગાવીશું."
"હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર કબજે કરવામાં આવ્યું છે."
છત્તીસગઢમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના ઘેર સીબીઆઈના દરોડા

ઇમેજ સ્રોત, ANI
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના મહામંત્રી ભૂપેશ બઘેલને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. બઘેલના રાયપુર અને દુર્ગસ્થિત નિવાસસ્થાને બુધવારે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.
ભૂપેશ બઘેલ ઉપરાંત ભિલાઈમાં કૉંગ્રેસના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ, બઘેલના રાજકીય સલાહકાર રહી ચૂકેલા વિનોદ વર્મા અને વરિષ્ઠ આઈપીએસ અધિકારી આરિફ શેખ, આઈપીએસ અધિકારી અભિષેક પલ્લવના ઘરે પણ સીબીઆઈની ટીમ તપાસ કરી રહી છે.
જોકે, આ દરોડા કયા મામલે પાડવામાં આવ્યા છે તે હજુ નક્કી નથી.
ભૂપેશ બઘેલની સરકાર પર કોલસા ગોટાળો, શરાબ નીતિમાં ગોટાળા, ઑનલાઈન સટ્ટાના ગંભીર આરોપ લાગ્યા હતા. આ આરોપોના સંદર્ભમાં બઘેલના નિકટના નેતાઓ અને અધિકારીઓ લાંબા સમયથી જેલમાં છે.
પરંતુ હાલમાં આ દરોડાને ઑનલાઈન સટ્ટા સાથે સાંકળીને જોવામાં આવે છે.
આ અંગે ભૂપેશ બઘેલના ઍક્સ એકાઉન્ટ પર એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે 8-9 એપ્રિલે ગુજરાતમાં એઆઈસીસીની ડ્રાફ્ટિંગ કમિટી માટેની બેઠકમાં સામેલ થવા માટે દિલ્હી જવાના હતા ત્યારે જ સીબીઆઈ તેમના નિવાસસ્થાને પહોંચી છે.
ગાઝામાં હમાસના વિરોધમાં પેલેસ્ટાઈનવાસીઓ રસ્તા પર ઊતર્યા, શું છે માગણી?

ઇમેજ સ્રોત, AFP
ગાઝામાં હમાસ વિરુદ્ધ મંગળવારથી વિરોધપ્રદર્શન શરૂ થયાં છે. તેમાં ઉત્તર ગાઝાના બૈત લાહિયાના રસ્તા પર સેંકડો લોકો ઊતરી આવ્યા હતા.
ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી આવું પહેલી વખત બન્યું છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો હમાસનો વિરોધ કરવા માટે સાથે મળીને રસ્તા પર ઊતરી આવ્યા છે.
પ્રદર્શનકારીઓની માગણી છે કે હમાસે હવે સત્તા છોડી દેવી જોઈએ.
આ દરમિયાન માસ્ક પહેરેલાં હમાસના જવાનોએ પ્રદર્શનકારી લોકોને વેરવિખેર કરવા માટે બળપ્રયોગ કર્યો હતો.
કેટલાક લડવૈયાઓના હાથમાં હથિયાર પણ હતા. તેમણે પ્રદર્શનકારીઓ સાથે મારપીટ પણ કરી હતી.
બીજી તરફ વિવેચક માનવામાં આવતા સામાજિક કાર્યકરોએ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાઇરલ કર્યા છે.
તેમાં ઉત્તર ગાઝાના બૈત લાહિયાના રસ્તા પર ઘણા યુવાનો જોવા મળ્યા હતા. તેઓ નારા લગાવતા હતા કે "બહાર... બહાર... હમાસ બહાર જાવ..." જોકે હમાસના સમર્થક માનવામાં આવતા સમૂહોએ આ મામલે હમાસનો બચાવ કર્યો હતો.
હમાસના સમર્થકોએ આ પ્રદર્શનોને ઓછા મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે વિરોધપ્રદર્શન કરનારા લોકો પર 'ગદ્દાર' હોવાનો આરોપ લગાવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























